સાવરકર
કાળા પાણીની સજા
પૂર્વે અને પછી
વિનાયક દામોદર સાવરકરનાં જીવનકવનને આપણે બે તબક્કામાં
વહેંચી શકીએ – કાળા પાણીની સજા પૂર્વે અને પછી. આ પુસ્તક આ બંને તબક્કામાં
સાવરકરમાં આવેલા વૈચારિક પરિવર્તન પર કેન્દ્રિત છે. તેમાં યુવાવસ્થામાં
ક્રાંતિકારી, રાષ્ટ્રપ્રેમી અને સવિશેષ બિનસાંપ્રદાયિક સાવરકરની ઝાંખી મળે છે.
સાથે સાથે પુસ્તકની ઊડીને આંખે વળગે એવી વિશેષતા એ છે કે ઇતિહાસના અભ્યાસુઓને
સેલ્યુલર જેલમાં કાળા પાણીની સજાના ગાળામાં અને જેલમુક્તિ પછી સાવરકરનાં
વ્યક્તિત્વ અને વિચારોમાં આવેલું નવાઈ પમાડે એવું પરિવર્તન પણ જોવા મળે છે.
લેખકે આ પુસ્તકમાં સાવરકરનાં જીવનકવનનો તટસ્થ અને પ્રામાણિક
અભ્યાસ કર્યો છે. ક્રાંતિકારી દેશભક્તમાંથી ભારતીય રાજકીય મંચ પર સાવરકરનો પ્રવેશ
અને પછી હિંદુત્વની રાજનીતિના વૈચારિક પ્રતિનિધિ બનવા સુધીની સફરને નિષ્પક્ષપણે
બયાન કરે છે. વળી આ પુસ્તકમાં સાવરકરનું મહિમામંડન કરવા માટેના એકમાત્ર ઉદ્દેશથી
લખાયેલા પુસ્તકો અને લેખકોએ કઈ રીતે સમાજને ગેરમાર્ગે દોરવાનો વિકૃત પ્રયાસ કર્યો
છે એનો પણ પર્દાફાશ લેખકે કર્યો છે.
લેખકે પુસ્તકનું લેખન કરવા ‘સાવરકર સમગ્ર’ નામે
પ્રકાશિત સાવરકરની સંપૂર્ણ લેખનયાત્રાનો અભ્યાસ કર્યો છે. સાથે સાથે તેમની સાથે
સંબંધિત પુસ્તકો, તત્કાલીન ઐતિહાસિક સામગ્રીઓ, સમકાલીનોએ પ્રસ્તુત કરેલી સામગ્રીઓ
તેમજ બ્રિટિશ સરકાર પાસે ઉપલબ્ધ ડૉક્યુમેન્ટ્સ વગેરેનો પણ ઊંડો અભ્યાસ કર્યો છે.
પુસ્તકનો એકમાત્ર આશય ઇતિહાસને પ્રામાણિકતાપૂર્વક, હકીકતો સાથે અને સંદર્ભો સાથે
સંપૂર્ણ સાચી રીતે પ્રસ્તુત કરવાનો છે.
આ પુસ્તક સાવરકરનું જીવનચરિત્ર નથી, પરંતુ તેમના ઐતિહાસિક
વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખીને સ્વતંત્રતા આંદોલનનું એક મોટું ફલક સમજવાનો પ્રયાસ
છે. કહેવાની જરૂર નથી કે હાલ રાષ્ટ્રની ધારણા કે વિભાવનાની આડમાં ભાતભાતની
ઐતિહાસિક, રાજકીય અને સામાજિક વિકૃતિઓના પ્રચાર-પ્રસારનો યુગ છે. એટલે વૈચારિક
કટોકટીના યુગમાં સમાજ માટે આ પ્રકારનો તટસ્થ અને તલસ્પર્શી અભ્યાસ અનિવાર્ય
આવશ્યકતા બની ગયો છે.
અશોક કુમાર પાંડેય ઇતિહાસવિદ્ છે. તેમણે પોતાનાં વિવિધ પુસ્તકોમાં
ઇતિહાસ સાથે સંબંધિત અસ્પષ્ટતાઓ દૂર કરવા સતત પ્રયાસ કર્યો છે. અગાઉ કાશ્મીર અને
ગાંધીના સંદર્ભમાં પોતાનાં પુસ્તકોમાં સત્ય સુધી પહોંચવાનો એક ક્રમ શરૂ કર્યો છે. એ
જ ક્રમ આ પુસ્તકમાં જાળવી રાખ્યો છે. વર્તમાન પરિપ્રેક્ષ્ય કે રાષ્ટ્રીય
પરિદૃશ્યમાં તટસ્થ દૃષ્ટિકોણ સાથે ઇતિહાસને સમજવા સમાજ માટે આ પુસ્તક ખરાં અર્થમાં
પ્રકાશપૂંજ સમાન છે. |