કુ.
મનુબહેન ગાંધીએ તેમના ગાંધીજીના સેવાકાળ દરમિયાન રાખેલી વિસ્તૃત ડાયરીમાંથી આ ભાગ
1947ના સપ્ટેમ્બરની 9મીથી નવેમ્બરની 30મી સુધીના 83 દિવસને આવરે છે. એ દિવસોમાં
ગાંધીજી દિલ્હીમાં હતા. દિલ્હી એ વખતે બાવરું બન્યું હતું અને દેશ અશાંતિમાં
ડૂબેલો હતો. દિલ્હીમાં ગાંધીજીએ જે જોયું અને અનુભવ્યું તેથી તેમની વ્યથા અનેક ગણી
વધી ગઈ. એ વ્યથા યાદવાસ્થળીની તો હતી જ પણ તેથી વિશેષ તો જીવનભર જેને માટે તેઓ
ઝૂઝેલા તે કોમી એખલાસ સ્થાપવાના તેમના પ્રયત્નમાં પૂરતી સફળતા ન મળી તેની હતી.
ઇતિહાસના એક મહાપુરુષ, યુગપુરુષ તેમના
જીવનની સૌથી મહાન વ્યથા અનુભવતા હતા ત્યારે તેમની નિકટ રહી તેમની સેવા કરતી એક
કુમારિકાએ એની નજરે જે જોયું અને અનુભવ્યું તે ટપકાવી લીધું. એ વાંચતાં
રાષ્ટ્રપતિની અપેક્ષા મુજબ આપણે ઊંચે ન ચડી શક્યા અને તેમને દૂભવ્યા તેની પ્રતીતિ
થાય છે જેથી મસ્તક શરમથી ઝૂકી જાય છે. આપણને બાપુની વ્યથાનું દર્શન કરાવવા માટે મનુબહેનનાં
આપણે હંમેશાં ઋણી રહીશું.
- મોરારાજી દેસાઈ |